Thursday, October 30, 2008

તારું મન ચાહે તો જઇ નેપથ્યમાં સંતાય તું,રંગમાં આવે તો જગના મંચ પર દેખાય તું;તારી આ દર્શનની લીલા સ્પષ્ટ છે દીવા સમી,દૃશ્ય તું ! અદૃશ્ય તું ! દ્રષ્ટિ ય તું ! દ્રષ્ટા ય તું !*કોણ છે નિષ્પાપ જગમાં ? જોઉં ! જા લઇ આવ તું !પાપ વિણ જીવાય શી રીતે, મને સમજાવ તું !હું બૂરા કામો કરું, આપે સજા તું પણ બૂરી,તો પછી મુજમાં ને તુજમાં ફેર શો ? બતલાવ તું !*લેખ વિધિએ લખ્યા મારા મને પૂછ્યા વગર,કર્મની લીલા રચી, રાખી મને ખુદ બેખબર;આજ પણ ચાલે છે ક્યાં મારું મનસ્વી દોરમાં ?હું કયામતમાં હિસાબ આપું કયા આધાર પર ?*ક્યાં છે મુજ પાપીને માટે તુજ રહમ કેરી નજર ?દિલનાં અંધારા ટળે શું પ્રેમની જ્યોતિ વગર ?તું જો આપે સ્વર્ગ કેવળ ભક્તિના બદલા મહીં,એ તો વેતન છે, નથી બક્ષિસ ! મુજને માફ કર.*મોત હો કે જિંદગાની, બેઉ છે તારા ગુલામ,ભાગ્યનાં હર દોર પર છે તારી મરજીની લગામ;હું અગર દુર્જન છું એમાં વાંક મારો કૈં નથી,તું જ સર્જક છે બધાનો, એ હશે તારું જ કામ !
- ઉમર ખૈયામ (શૂન્ય પાલનપુરી)

No comments: