Sunday, June 8, 2008


કોઈની ઈચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.
નામ તારું લઈ જીવેલી ક્ષણનો માંગ્યો આંકડો,
ને બધા પહોરોની જીભેથી ત્યાં ટપક્યો આઠડો.
આંગળીઓના વલણનો ફેર સર્જે છે ફરક,
બાકી સૌની એક માટી, એકસરખો ચાકડો.
નજરુંના તારા ઝરણમાં પગ ઝબોળી બેઠા શ્વાસ,
પળમાં ગાયબ આયખાની આવ-જાનો થાકડો.
ટેરવાંએ આંગળીના કાનમાં તે શું કહ્યું ?
હાથ આખો મૂળમાંથી હચમચી ગ્યો બાપડો.
રોજ સાંજે સ્વપ્નની ગોરજ થઈને આવો કેમ?
આંખને પાદર ગણીને ગામનું તો ના અડો !
જાન ખુશ્બૂની જશે પાછી ફૂલોના દ્વારથી,
જો મળે નહીં રોકડા ઝાકળનો તાજો વાંકડો.

No comments: