Thursday, October 30, 2008

એ નહીં આવે કદી વરસાદમાંઆગ લાગી ગઈ સખી વરસાદમાં.
કોની સાથે જઈને ભીંજાવું હવે,સાવ સૂની છે ગલી વરસાદમાં.
એક દુઆ માંગી કોઈએ રાતભર,એક ગઝલ મેં પણ લખી વરસાદમાં.
દુઃખની રાતોમાં કોઈ મળતું નથી,ક્યાં મળે છે ચાંદની વરસાદમાં.
છે તગઝ્ઝુલ રંગનો વૈભવ ‘અદી’શાયરી દુલ્હન બની વરસાદમાં.
- અદી મિરઝા

સાંજના ડૂબી જતાં સૂર્યનેકે પછી જોયા કરું છું તને.
હું જવા નીકળું તમારે ઘેર નેબારણાં ખુલ્લા મળી આવે મને … સાંજના
દૂરતા છે એટલી તારી હવેઆવવા છે જ ક્યાં રસ્તા મને … સાંજના
જીવતાં તો હાથ ના દીધો કદી,ઉચકીને લઈ ગયા ‘કૈલાશ’ને … સાંજના
- કૈલાશ પંડીત

પાંદળુ કેવી રીતે પીળું થયું કોને ખબર ?એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?
શહેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,એક જણ નખશિખ ઊજ્જડ રહી ગયું કોને ખબર ?
શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારા સ્મરણએને મારું એક મન ઓછું પડ્યું કોને ખબર ?
સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,ને સવારે આંખમાંથી શું વહ્યું કોને ખબર ?
માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે ?એના ઊત્તર શોધવા જળ ક્યાં ગયું કોને ખબર ?
મેં અરીસાને અમસ્તો ઉપલક જોયો ‘રમેશ’,કોણ એમાંથી મને જોતું રહ્યું કોને ખબર ?
- રમેશ પારેખ



મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઉભો છુંને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
હતો જે આપણો સબંધ એના ભગ્ન અવશેષોશિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
તને આગળ ને આગળ હું સતત જોયા કરું અથવાપ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
ચણાયા કાકલૂદી પર થરકતી જ્યોતના કિસ્સાદીવાને જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાંઅને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઉભો છું
- શોભિત દેસાઈ

સાવ ખાલીખમ સમયનો સામનો કયાંથી ગમે ?દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મનેબેય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?
એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ પણએક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?
પાંદડાં ઝાકળ વિખેળે ડાળ પણ નિર્મમ થતી,કોઇને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?
મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’‘નેશેષ વધતો ટૂકડો આકાશનો ક્યાંથી ગમે ?
- ચિનુ મોદી ’ઈર્શાદ’

ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ.
કહેવાતી ‘હા’ થી નીકળે ‘ના’ નો યે ભાવ પણ,માણસની સાથે હોય છે, એનો સ્વભાવ પણ.
કેડી હતી ત્યાં ઘાસ ને ઉગ્યાં છે ઝાંખરા,પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ.
ભીનાશ કોરી ખૂંપશે પાનીમાં કો’ક દિક્યારેક યાદ આવશે તમને તળાવ પણ.
તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી,આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ.
- કૈલાસ પંડીત

શબ્દના દરિયા વહાવ્યે શું વળે ?અર્થના જંગલ જણાવ્યે શું વળે ?
શક્ય છે પાણીય નીકળે રણમહીંમહેલ રેતીના ચણાવ્યે શું વળે ?
આયખું ઝાકળ સમું છે જેમનુંએમને સૂરજ બતાવ્યે શું વળે ?
વાંઝણી છે ભાગ્યરેખા આપણી,કુંડળીઓ જોવરાવ્યે શું વળે ?
અંધકારે જીવવું છે આપણે,શ્વાસના દીપક જલાવ્યે શું વળે ?
- આર. જે. નિમાવત

વૃક્ષ એક જ સેંકડો ફળનું જતન કરતું રહ્યું,સંકડો ફળથી જતન એક વૃક્ષ કેરું ના થયું;એમ પોષે છે પિતા બે-ચાર પુત્રોને છતાં,સર્વ પુત્રથી જતન એક જ પિતાનું ના થયું.*હતું કેવું સંબંધોનું એ વળગણ યાદ આવે છે,હતું કેવું સરળ સીધું એ સગપણ યાદ આવે છે.
પિતાની આંગળી છોડી હું શીખ્યો ચાલતાં જ્યારે,ખોવાયું શહેરમાં મારું એ બાળપણ યાદ આવે છે.
એ પાદર ગામનું ને ડાળ વડલાની હજીયે છે,ને ઘરને ટોડલે બાંધેલ તોરણ યાદ આવે છે.
લઈને ગોદમાં સાંજે મને મા બેસતી જ્યાં,એ રસ્તા ધૂળીયા ને ઘરનું આંગણ યાદ આવે છે.
કદી ભાઈની સાથે નાની અમથી વાત પર લડવું,ગળે વળગી પછી રડવાની સમજણ યાદ આવે છે.
ઘણી વાતો છે એવી જેમનાં કારણ નથી હોતાં,મેં છોડ્યું ગામ શા માટે એ કારણ યાદ આવે છે.
- વિનય ઘાસવાલા

આકાશને ક્યાં આદિ, અંત, મધ્ય હોય છે,જે સત્ય હો તે તો સળંગ સત્ય હોય છે.
આંખો ઉઘાડી હોય ને દેખાય ના કશું,આંખો કરું જો બંધ તો દૃશ્ય હોય છે.
ભીતર સુધી પ્હોંચી જવાનો માર્ગ છે કઠણ,જાતે ચણેલી ભીંત ત્યાં, અસંખ્ય હોય છે.
રૂપનો જનાજો નીકળ્યો તો દીધી અરીસે કાંધ,સગપણની આ ક્ષણોય કેવી ધન્ય હોય છે.
મૂઠીક સ્વપ્નો હોય તો હું ઉછેરી લઉં,આ તો કુંવારી આંખમાં અસંખ્ય હોય છે.
આ તો ગઝલ છે એટલે ડૂમો વળી ઠલવાય છે,બાકી જગતની વેદના અસહ્ય હોય છે.
- ધૂની માંડલિયા

ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.
અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.
ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.
ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.
મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.
- કૈલાશ પંડિત



તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છુંનિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણુંનખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળુંશબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
જળ છું, બરફ છું, ભેજ છું, ઝાકળ છું, વાદળ છું, સતત મૃગજળ સુધી ભીનો જ છુંતરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
- જવાહર બક્ષી

તું જો આજે મારી સાથે જાગશેચાંદ થોડો ચાંદ જેવો લાગશે !
કોણ તારી વાત સાંભળશે, હૃદય !એક પથ્થર કોને કોને વાગશે?
તું અમારો છે તો ધરતીના ખુદા !તું અમારા જેવો ક્યારે લાગશે ?
જિંદગી, તું આટલી નિર્દય હશે?તું મને શું એક પળમાં ત્યાગશે?
હું રડું છું એ જ કારણથી હવે,હું હસું તો એને કેવું લાગશે!
એણે માગી છે દુવા તારી ‘અદી’તું ખુદા પાસે હવે શું માગશે ?!!
- અદી મિરઝા



પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ?
પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ?
છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ?
દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,દ્વારને અવઢવ રહે કે ખૂલવું કેવી રીતે ?
શિલ્પ ચ્હેરાની પીડાનું આંખ સામે જોઈને,છે વિમાસણ એક આંસુ લૂછવું કેવી રીતે ?
કેટલા જન્મો થયા છે કેદ આ કોઠે પડી –પૂછતું કોઈ નથી કે છૂટવું કેવી રીતે ?
આ ભરી મહેફિલ સજાવી બેસતાં લાખો છતાં,જૂજ લોકોને ખબર છે ઊઠવું કેવી રીતે !
– ઉર્વીશ વસાવડા

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.
ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.
આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.
મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.
લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.
- કૈલાશ પંડિત



શું કામ આંખમાં આવ્યું વિચારવું પડશેબધાથી ગુપ્ત આ આંસુ નિતારવું પડશે
મીંચાય આંખ, આ મનને મીંચાય કેમ, રમેશસમૂળગું જ હવે મનને મારવું પડશે
સ્વપ્નમાં જેમણે આખ્ખો બગીચો આપ્યો’તોદીધું છે તેમણે આ રણ, સ્વીકારવું પડશે
રમેશ, આપણા શરણે જ અંતે આવ્યું છેજહાજ આપણી શ્રધ્ધાનું તારવું પડશે
આગની છે આ રજૂઆત સાવ મૌલિક પણબળે છે તેમાં મારું ઘર એ ઠારવું પડશે
રમેશ, ભાગ જલ્દી ભાગ, કોરા કાગળમાંકલમનું ઝેર ચડયું છે, ઉતારવું પડશે
- રમેશ પારેખ



આપણી અંદર મરી પરવારી ગયેલા કોઇએ,બાગમાં પથ્થર બનીને જન્મ લેવો જોઇએ।
સ્વપ્નના ફાનસના અજવાળામાં જેને જોઇએ,ખુલ્લી આંખોના આ અંધાપામાં તેને ખોઇએ.
ચાલુ ટ્રેને બારી પાસે બેસવાની વાતમાં,બારીમાંથી કૂદવા જેવું ઝગડતા હોઇએ.
આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ ?ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઇએ !
પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,કંઇક ઉપરવાસમાં વરસાદ જેવું જોઇએ.
ખાઇ પીને નાહીને કવિતા નથી બનતી હે દોસ્ત !લોહી વહે ત્યારે જ કાગળ વચ્ચે ધરવો જોઇએ.
- મુકુલ ચોકસી

બચ્યા છે કેટલા ? એ શબ્દ પણ ગણી લઉં છુંછૂટો પડું છું ને ખુદની સિલક ગણી લઉં છુંક્ષણો, કલાક, દિવસ, માસ, વર્ષ કે સૈકાતમે હો એવા સમયને પ્રણય ગણી લઉં છું*રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી, ને હથેળીમાં એની હથેળી હતીમન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી
આંખમાં એક દરિયો છુપાયો હતો, પણ શિશુ જેવો નિર્દોષ ચહેરો હતોછોકરી મારી સામે જે બેઠી હતી, ખૂબ અઘરી હતી, સાવ સહેલી હતી
મીઠી મુંઝવણ હતી, હોઠ તો ચૂપ હતા, જો હતો, તો હતો મૌનનો આશરોએણે જ્યારે કહ્યું, હું તને ચાહું છું, જિંદગી એક પળમાં ઉકેલી હતી
જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂર ના જઇ શકી મારાથી એફેરવી તો લીધું મોઢું છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી.
- શોભિત દેસાઈ

મંઝિલને ઢૂંઢવા દિશાઓ કપરી જવું પડે,છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.
યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,શ્રીરામને જમાડવાં શબરી થવું પડે.
બદલાની અપેક્ષા વિનાં સત્કર્મ જો કરો ,પત્થરનાં દેવને કદી પ્રગટી જવું પડે.
દર્શન પ્રભુનાં પામવાં કપરી કસોટી છે,અર્જુનનાં રથના ચક્રની ધરી થવું પડે.
પાણી થવાંને કેટલું પાણી સહન કરે,વાદળ બનીને વીજથી સળગી જવું પડે.
સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’,જોવાં તમાશો એક વાર ગુજરી જવું પડે.
- રવિ ઉપાધ્યાય

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બનેઆ હાથ આખેઆખો બળે એમ પણ બને
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાંમન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને
એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?એક પગ બીજા ને છળે એમ પણ બને
જે શોધવામાં જિંદગી આખી પસાર થાયને એ જ હોય પગની તળે એમ પણ બને
તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દીવો કરુંઅંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને.
- મનોજ ખંડેરિયા

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.
થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.
સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.
એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.
ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;કોઇનો લાડકવાયાની આંખડી અમૃત નીતરતી.
કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;આતમ-દીપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.
કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!
વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ક હુંબન ધીરે;સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.
વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.
એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,એની રક્ષા કાજે અહર્નિશ પ્રભુને પાયે પડતી;ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.
કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.
એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,જોતી એની રૂધિર - છલક્તી ગજગજ પ્હોળી છાતી;અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.
એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;લખજો: ‘ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.
- ઝવેરચંદ મેઘાણી